Description
ભૂમિકા
આત્મસાધક સંત મુનિરાજ શ્રીઅમરેન્દ્રવિજયજીને એક પત્રમાં મેં વિજ્ઞપ્તિ કરેલી કે 'યોગદૃષ્ટિ' વિષે આપ કાંઈક પ્રકાશ પાથરો; આપ યોગસાધક-યોગી છો, અને આ વિષય પર કલમ ચલાવવાને અધિકારી છો; આપ લખશો તો અમારા જેવા બાળ જીવોની જિજ્ઞાસા સંતોષાય. આ માગણીના જવાબમાં મહારાજશ્રીએ લખેલું : 'હું આ વિષય પર લખવા માટેનો અધિકાર હજી પામ્યો नथी."
આ જવાબ ઉપરથી એટલું તો સમજી શકાય છે કે આ વિષય કેટલો ગહન અને ગંભીર છે ! સંસ્કૃત વાંચતા આવડી જાય કે આવા ગ્રંથોનું અધ્યયન-વાંચન કરી લેવાય તેટલા માત્રથી આના પર વિવેચનો-પ્રવચનો કરવા માંડીએ તો તે અનધિકાર ચેષ્ટા જ બની રહે.
મને એ પણ સાંભરે છે કે ધ્યાનવિષયક કોઈ વિવેચન-ગ્રંથ વિષે મેં તેઓશ્રીને જણાવેલ અને તે પુસ્તક તેઓશ્રીને મોકલવા લખેલું ત્યારે તેમણે મને સ્પષ્ટ લખ્યું હતું કે "અનુભવજ્ઞાન વિનાના કોરા શાબ્દિક વિવેચનમાં મને રસ નહિ પડે; માટે તે ગ્રંથ મોકલવો નહિ.”
યોગ, યોગની ૮ દૃષ્ટિઓ, યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ - આ બધા વિષયો કેટલા બધા રહસ્યમય અને અર્થગંભીર ગણાય, તેનો ખ્યાલ મને આ જવાબો થકી સુપેરે આવેલો છે, એટલે એ બધા વિષયો પરત્વે કશુંક લખવાની, અહીં, લેશ પણ તૈયારી કે ઉત્સુકતા નથી.
હું એટલું ચોક્કસ લખી શકું કે ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે આ ગ્રંથ અને તેમાં યોગની આઠ દૃષ્ટિરૂપ ભૂમિકાઓ આપીને આપણા ઉપર મહાન કરુણા કરી છે. વિવેકી, જિજ્ઞાસુ તથા આત્માર્થી વ્યક્તિ, આ ગ્રંથના અધ્યયન-પરિશીલન દ્વારા, પોતાની આંતરિક ભૂમિકા કે કક્ષાને અવશ્ય પ્રીછી શકે, અને એ રીતે પોતાની પ્રગતિનો માર્ગ અથવા ક્રમ અવશ્ય નક્કી કરી શકે.
ભગવાન હરિભદ્રાચાર્યની સમદૃષ્ટિ અને સમન્વયદૃષ્ટિનો સુરેખ પરિચય આ ગ્રંથ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. નાનો-વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીવિજયનન્દનસૂરીશ્વરજીના મુખે અનેકવાર આ ગ્રંથના શ્લોકો અને તેમાંથી પ્રગટતો સમન્વય સાંભળવા મળતા. સાંખ્ય, વેદાન્ત, પાતંજલ, બૌદ્ધ વગેરે દર્શનોના તત્ત્વજ્ઞાન સાથે આ ગ્રંથમાં વર્ણવ્યા અનુસાર,